ધો. 1 થી 8 માટે કુલ 13,852 જગ્યાઓ માટે ભરતી: 7 નવેમ્બરથી ઓનલાઈન અરજી દાખલ કરી શકાશે.
રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની તથા વિદ્યાસહાયકોની ઘટ અને તેની ભરતીઓ ક્યારે થશે, એ મુદ્દો લાંબા સમયથી ચર્ચાઓમાં હતો. આખરે આ ભરતીઓ માટેની સંયુકત જાહેરાત થઈ ચૂકી છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરએ પહેલા સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર આ જાહેરાત કરી અને બાદમાં સત્તાવાર રીતે આ સંયુકત જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે.
આ જાહેરાતમાં જણાવ્યા અનુસાર, 7 નવેમ્બરથી 16 નવેમ્બર દરમિયાન ઉમેદવારો ઓનલાઈન અરજીઓ કરી શકશે. અને, અરજી સ્વીકાર કેન્દ્રો પર 19મી નવેમ્બર સાંજના પાંચ વાગ્યા સુધી અરજીઓ જમા કરાવી શકાશે. ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 માટે ગુજરાતી અને અન્ય માધ્યમો મળી કુલ 13,852 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
આ ભરતીઓ માટેની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગીની પ્રક્રિયાના નિયર્મો, અરજી અરજીઓ માટેના સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીઓ આપવા માટેનું માર્ગદર્શન અને અન્ય તમામ સામાન્ય સૂચનાઓ વેબસાઈટ પર મૂકવામાં આવી છે.સાથોસાથ તારીખ 6 નવેમ્બરે વિડિયો કોન્ફરન્સ કરી હાલ નોકરી કરતા શિક્ષકોને જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી પણ શરૂ થશે.