પોલીસ, ફોરેસ્ટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં યુવાઓ માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉભી કરાઈ બહુવિધ સુવીધાઓ
લાંબી કૂદ, ઉંચી કૂદ, 400 મીટરનો ટ્રેક, એ.સી.લાઈબ્રેરી સહિતની સુવિધાઓ યુવાઓની કારકિર્દી ઘડતરમાં બની રહી છે મદદરૂપ
ઉજ્જવળ કારકિર્દી માટે વધુમાં વધુ યુવાઓને આ મેદાનનો લાભ લેવા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા કરાતી અપીલ
પોલીસ, ફોરેસ્ટ, આર્મી, પેરા મિલિટરી ફોર્સ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અહીં દોડ માટે ટ્રેક, સુવિધાસભર મેદાન, વાતાનુકૂલ વાંચનલય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓને અનુકૂળ પડે તે પ્રકારનું વાતાવરણ પૂરું પાડવાનો પ્રશંસનીય પ્રયાસ જામનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
આ ગ્રાઉન્ડ ખાતે દોડ માટે અનુકૂળ એવો 400 મીટરનો વિશેષ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે તો સાથે સાથે લાંબી કુદ, ઉંચી કૂદ અને લાઇબ્રેરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.હાલ અહીં જિલ્લાના એક હજારથી વધુ યુવક-યુવતીઓ આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે.
માનસિક રીતે પરીક્ષાનો ભય દૂર થાય અને યુવાઓને પરીક્ષાલક્ષી તમામ મદદ મળી રહે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપતી વખતે ગ્રાઉન્ડ પર જોવા મળે તે પ્રકારનો જ સંપૂર્ણ માહોલ અહીં ઉભો કરાયો છે.સાથે સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓને વાંચન માટે યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે અહીં વિનામૂલ્યે તમામ પુસ્તકો તથા એ.સી. લાઇબ્રેરીની પણ સુવિધા વિકસાવવામાં આવી છે.જામનગર જિલ્લાના યુવાઓને વધુમાં વધુ આ સુવિધાઓનો લાભ લઈ પોતાની ઉજ્જવળ કારકિર્દી તરફ ડગ માંડવા આ તકે પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા અનુરોધ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે ગત તા.1/3/2023 ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ મેદાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં ૬૩ મીટરની ત્રિજ્યાવાળુ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા તેની ફરતે ૦૫ (પાંચ) મીટરની પહોળાઇવાળો ૪૦૦ મીટરનો વોકીંગ તથા રનીંગ માટેનો ટ્રેક બનાવવામાં આવેલ. આ ઐતિહાસિક મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ખેલાડીઓએ પોતાની કારકિર્દી દરમ્યાન પ્રેકટીસ કરી છે. જેથી ક્રિકેટ ચાહકો માટે પણ આ ગ્રાઉન્ડનુ મહત્વપુર્ણ બન્યું છે. તેમજ અહીનો વોકીંગ-રનીંગ ટ્રેક તથા લાઈબ્રેરી સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ ભરતીઓ માટેની શારીરિક કસોટીની પુર્વ તૈયારી માટે યુવાનોને મદદરૂપ થઈ રહ્યો છે.
અહેવાલ-વિરેન્દ્રસિંહ પરમાર